અદાણી જૂથને આખરે ઓસ્ટ્રેલિયામાં રાહત મળી

અમદાવાદઃ ભારતીય માઇનિંગ કંપની અદાણી ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરથી 16.5 અબજ ડોલરના કાર્માઇકલ પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે અને માર્ચ 2020માં તે સૌ પ્રથમ શિપમેન્ટ કરશે તેમ માનવામાં આવી રહ્યું છે. અમદાવાદસ્થિત અને વિશ્વસ્તરે કામ કરનાર અદાણી જૂથ માટે એક રાહતના સમાચાર મળી રહ્યા છે.

તાજેતરમાં બ્રિસ્બેન કોર્ટે પર્યાવરણવાદીઓની અને પરંપરાગત જમીન માલિકની આ સાહસ સામેની અરજી નકારી કાઢી હતી. અમે ઓક્ટોબર સુધીમાં બાંધકામ શરૂ કરીશું અને માર્ચ 2020 સુધીમાં કોલસાનું પ્રથમ શિપમેન્ટ આવશે, તેમ અદાણીના ચેરમેન ગૌતમ અદાણીએ આ અંગે માધ્યમોને જણાવ્યું હતું.

નોંધનીય છે કે છેલ્લાં ઘણા સમયથી અદાણી જૂથે પર્યાવરણવાદી જૂથો સાથે પાંચ વર્ષનો સંઘર્ષ કર્યો હતો, જે બંદરના કોઈ પણ પ્રકારના વિસ્તરણનો વિરોધ કરતા હતા. તેમનું કહેવું છે કે તેના લીધે ગ્રેટ બેરિઅર રીફને ભયમાં મુકાશે. આ બંદરનો ઉપયોગ ભારતમાં નિકાસ માટે થવાનો છે.

એક માહિતી અનુસાર અદાણીના ઓસ્ટ્રેલિયા કન્ટ્રી હેડ અને સીઇઓ જેયાકુમાર જનકરાજે જણાવ્યું હતું કે આ સફળતા અદાણીના ક્વીન્સલેન્ડ રાજ્યના ફાયદામાં લાંબા ગાળાના આયોજન સુધી જોતરાઈ રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ ઉપરાંત કંપનીએ તેના વર્તમાન શારકામ કેમ્પની સવલતને નવસ્વરૂપ આપવા પ્રથમ પ્રાદેશિક કોન્ટ્રાક્ટરની પસંદગી કરી છે.

અદાણી સામે વિરોધ
ઓસ્ટ્રેલિયામાં અદાણી જૂથની કોલસાની ખાણના પ્રોજેક્ટને લઇને અનેક અવરોધનો સામનો કંપનીને કરવો પડ્યો છે. સ્થાનિક રહેવાસીઓની સાથે સાથે પર્યાવરણવાદીઓ દ્વારા પણ આ અંગે ઓસ્ટ્રેલિયાથી લઇને અમદાવાદ સુધી આ મુદ્દે વિરોધ પ્રદર્શનની સાથે સાથે રજૂઆતો કરી છે.