અમદાવાદ:સિમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર, પાંચ ડોક્ટર સામે બેદરકારીનો ગુનો દાખલ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલી સિમ્સ હોસ્પિટલમાં સ્વાઇન ફલૂની સારવાર દરમિયાન મહિલા એડવોકેટના મૃત્યુ બદલ સોલા પોલીસે હોસ્પિટલના ડાયરેક્ટર સહિત છ તબીબો વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. મૃતક મહિલાના પતિએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે સ્વાઇન ફલૂના કેસમાં હોસ્પિટલના ડોક્ટરોએ રૂપિયા પડાવવા માટે ૪૩ દિવસ સુધી તેમની પત્નીની બિનજરૂરી સારવાર કરતાં તેનું મોત થયું છે.વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ સુદર્શન ફ્લેટમાં રહેતા કશ્યપભાઇ કોટકે સિમ્સ હોસ્પિટલના ડોક્ટરો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે કશ્યપભાઇનાં પત્ની વંદનાબહેન કોટકને સ્વાઇન ફ્લૂ થયો હોવાથી તા. ર૦ ફેબ્રુઆરીના રોજ સિમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. સ્વાઇન ફ્લૂની ૪૩ દિવસની સારવાર બાદ વંદનાબહેનનું સારવાર દરમિયાન મોત થયું હતું. ૪૩ દિવસની સારવાર દરમિયાન કશ્યપભાઇ કોટકે ૩૧ લાખ રૂપિયા હોસ્પિટલને ચૂકવ્યા હતા.