અમદાવાદ : કાલુપુરમાં ફાયરીંગ કરી ૧૨ લાખના દાગીનાની લૂંટ

અમદાવાદ શહેરના રતનપોળ વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી વહેલી સવારે કાલુપુર પાંચકૂવા દરવાજા પાસે દાગીના ભરેલા થેલાની લૂંટનો બનાવ બનતાં ચકચાર મચી જવા પામી હતી. બે પલ્સર બાઇક પર આવેલા ચાર શખ્સોએ એક્ટિવા પર જતા આંગડિયા પેઢીના કર્મચારીઓને આંતરી થેલો ઝૂંટવ્યો હતો, જોકે કર્મચારીએ થેલો પકડી રાખતાં તેઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી, જેથી એક લૂંટારુએ તેની પાસે રહેલી રિવોલ્વર કાઢી ફાયિરંગ કર્યું હતું. જોકે ફાયિરંગમાં દશરથભાઇનો આબાદ બચાવ થયો હતો અને થેલો છૂટી જતાં બંને લૂંટારુઓ બાઇક પર બેસી નાસી છૂટ્યા હતા. આશરે રૂ.૧૦ થી ૧ર લાખના દાગીના ભરેલા થેલાની લૂંટ થતાં કાલુપુર પોલીસ અને ક્રાઇમ બ્રાંચનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. લૂંટારુઓ સારંગપુર થઇ ગોમતીપુર તરફ ભાગ્યા હોવાની આશંકાના પગલે પોલીસે રોડ પરના તમામ સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. આ લૂંટની સમગ્ર ઘટના ત્યાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. લૂંટારુના ચહેરા સીસીટીવીમાં સ્પષ્ટ જણાતાં ક્રાઇમ બ્રાંચની ટીમે લૂંટારુઓની ઓળખ શરૂ કરી હતી.