અમદાવાદ : ગાંધીનગરના ઈશારે બે અર્બન હેલ્થ સેન્ટરની જગ્યા રાતોરાત બદલાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્લમ વિસ્તારમાં આરોગ્યલક્ષી સેવાઓ આપવાના આશયથી શહેરમાં કુલ ૬૯ અર્બન હેલ્થ સેન્ટર અને ચાર કોમ્યુનિટી સેન્ટર કાર્યરત કરાયાં હતા. આગામી દિવસોમાં વધુ નવ હેલ્થ સેન્ટર ધમધમતાં કરવા તંત્રે કવાયત હાથ ધરી હતી, જોકે ગાંધીનગરના ઇશારે બે અર્બન હેલ્થ સેન્ટરની જગ્યા રાતોરાત બદલાઇ જતાં વિવાદ સર્જાયો હતો. અગાઉ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ દિક્ષણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં આવેલી આઇડી હોસ્પિટલના કેમ્પસમાં નવું અર્બન હેલ્થ સેન્ટર બનાવવા માટે રૂ.૭પ.પ૮ લાખના ટેન્ડરને મંજૂરી આપી હતી, જોકે હવે ગાંધીનગરના ઇશારે તંત્ર દ્વારા બહેરામપુરા વોર્ડના બદલે વટવા વોર્ડમાં આ અર્બન હેલ્થ સેન્ટર ઊભું કરાશે. દિક્ષણ ઝોનના લાંભા વોર્ડમાં પ્લોટ ૬૭માં નવું અર્બન હેલ્થ સેન્ટર બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. બંને અર્બન હેલ્થ સેન્ટરના નિર્માણ માટે કમિશનરની મંજૂરી મળી ગઇ હતી. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીમાં સંબંધિત હેલ્થ સેન્ટરને લગતા ઠરાવને પણ લીલી ઝંડી અપાતાં સ્થાનિક લોકોમાં હર્ષ વ્યાપી ગયો હતો. ગાંધીનગરના ઇશારે આ સ્થળ બદલાયાં હોઇ મ્યુનિસિપલ સત્તાવાળાઓ પણ લાચારી અનુભવી રહ્યા હતા.