અમદાવાદ: પેટ્રોલ પંપ પર ડીઝલને બદલે વાહનમાં પાણી ભરી દીધું

એક તરફ દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તેને લઈને વાહનચાલકો પરેશાન જોવા મળી રહયા છે. બીજી બાજુ થોડા દિવસો પહેલા ડેપ્યુટી સીએમ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી છે જેના કારણે ટેક્સની આવક થતી નથી જેથી ક્રૂડમાં ભાવ વધારો કરવો પડી રહ્યો છે. આ બધાની વચ્ચે આજે અમદાવાદમાં સેલ પેટ્રોલ પંપ પર ગાડીમાં ડીઝલના બદલે પાણી ભરી દેતા હોબાળો મચ્યો હતો. મણિનગરના ઉત્તમનગર પાસે આવેલ સેલના પેટ્રોલ પમ્પમાં ડીઝલ પુરાવા આવેલ વાહનચાલકોને ડીઝલના બદલે પાણી ભરાતા ગાડી બંધ પડી ગઈ હતી. જેના પગલે વાહન ચાલકોએ હોબાળો કર્યો હતો. હોબાળો કરતા આખરે પેટ્રોલ પમ્પના માલિકો દ્વારા કસ્ટમરને પડેલ તમામ તકલીફની જવાબદારી લીધી અને જે પણ ખર્ચો થાય તે સેલ કંપની આપશે તેવી બાંહેધરી આપતા આખરે લોકો શાંત થયા હતા. પરંતુ સવાલ એ છે કે નોઝલમાં પાણી આવ્યું કઈ રીતે અને કોની બેદરકારી હતી જેના કારણે વાહનચાલકો ને ભોગવવું પડ્યું.