આજથી મહારાષ્ટ્ર બોર્ડની એસએસસીની પરીક્ષાનો પ્રારંભ

હારાષ્ટ્ર બોર્ડની બારમાની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે આવતીકાલથી અર્થાત્ પહેલી માર્ચથી દસમા ધોરણની પરીક્ષાઓ પણ શરુ થવા જઈ રહી છે.મુંબઈ, પૂણે, નાગપુર, ઔરંગાબાદ, કોલ્હાપુર, અમરાવતી, નાસિક, લાતુર અને કોંકણ મળી કુલ નવ વિભાગમાં આ પરીક્ષા લેવાશે. જૂના અભ્યાસના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા આખરી તક સમી રહેશે તો નવા અભ્યાસક્રમની આ પહેલી પરીક્ષા છે.શુક્રવારે સવારે ૧૧ વાગ્યે પહેલું પેપર રાખવામાં આવ્યું છે. પરીક્ષામાં કોપી કે અન્ય કોઈ ગેરરીતિ રોકવા માટે દરેક વિભાગમાં બોર્ડ દ્વારા ફ્લાઈંગ સ્ક્વોડ તૈનાત કરાશે. મુંબઈ વિભાગના ૯૯૯ કેન્દ્રો સહિત રાજ્યભરના ૪,૮૭૪ કેન્દ્રો પર પરીક્ષા લેેવાશે.રાજ્યભરમાંથી આશરે ૧૭ લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા સજ્જ છે, ત્યારે મુંબઈ વિભાગના ૩,૮૩,૩૨૦ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સહભાગી બનશે. તેમાં ૧૬,૩૦૭ વિદ્યાર્થીઓ જૂનાં અભ્યાસક્રમનાં છે તો ૨,૬૯૧ વિદ્યાર્થીઓ સ્પેશિયલ સ્ટૂડેન્ટ તરીકે પરીક્ષા આપશે. ગત વર્ષની તુલનાએ બોર્ડના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આ વર્ષે ૫૦ હજાર જેટલી ઘટી હોવાની માહિતી બોર્ડના સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે. પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને અડધો કલાક વહેલાં પહોંચવાની તાકીદ કરાઈ છે, તેમજ વર્ગખંડમાં અને બને તો પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ ન લઈ જવાનું પણ કહેવામાં આવ્યું છે. જો કોઈ વિદ્યાર્થી મર્યાદિત સમયથી મોડું પરીક્ષા આપવા પહોંચશે તો તેને પરીક્ષામાં બેસવા દેવાશે નહીં, તેવું બોર્ડ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે.તે ઉપરાંત કોઈ અન્ય સમસ્યા કે મૂંઝવણ હોય તો વિદ્યાર્થી તેમજ વાલીઓ સવારે નવથી સાંજે સાતની વચ્ચે ૯૩૨૨૫૨૭૦૭૬, ૭૫૦૬૩૦૨૩૫૩, ૯૮૧૯૦૧૬૨૭૦, ૯૮૬૯૩૦૭૬૫૭ આદિ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકે છે.