આવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન ડે મુકાબલો

વર્લ્ડકપને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ટીમ ઈન્ડિયા તેની આખરી આંતરરાષ્ટ્રીય વન ડે સિરીઝમાં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારત ઘરઆંગણે છેલ્લી છ વન ડે શ્રેણીમાં વિજય મેળવી ચૂક્યું છે અને હવે તે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં આ સિલસિલાને જારી રાખવા માટે કટિબદ્ધ છે.ટીમ ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સુપરપાવર તરીકેનું પ્રભુત્વ પ્રસ્થાપિત કર્યું છે. કેપ્ટન કૂલ ધોની અને ત્યાર બાદ કોહલીની આગેવાની હેઠળ ભારતે દેશ-વિદેશમાં જીત હાંસલ કરી હતી. ભારત છેલ્લા નવ વર્ષમાં ઘરઆંગણે ૧૯ દ્વિપક્ષિય વન ડે શ્રેણી રમ્યું છે અને તેમાંથી ૧૭માં વિજેતા બન્યું છે. જ્યારે માત્ર બે જ સિરીઝમાં ભારતને હારનો સામનો કરવો પડયો હતો. ભારત ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે સપ્ટેમ્બર, ૨૦૧૭માં વન ડે શ્રેણીમાં ટકરાયુ હતું. ત્યારે પાંચ વન ડેની શ્રેણીમાં ભારતે ૪-૧થી પ્રભુત્વસભર જીત હાસંલ કરી હતી. ભારત આ પછી હોમગ્રાઉન્ડ પર ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ સામેની વન ડે શ્રેણી જીતી ચૂક્યા છે. જેના કારણે ટીમ ઈન્ડિયા આ સિલસિલાને આગળ ધપાવવા માટે ઉત્સુક છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે ઓસ્ટ્રેલિયા સામે શનિવારથી શરૃ થઈ રહેલી વન ડેની શ્રેણી વર્લ્ડ કપ અગાઉ તૈયારી કરવાની આખરી તક સમાન છે. પસંદગીકારો જાહેર કરી ચૂક્યા છે કે, તેમણે વર્લ્ડકપ માટેની ટીમની પસંદગી લગભગ કરી લીધી છે અને હવે ટીમ મેનેજમેન્ટ અલગ-અલગ કોમ્બિનેશનને અજમાવવાનો પ્રયાસ કરશે. ભારતીય ટીમ મેનેજમેન્ટની બેટીંગ લાઈનઅપ તો નક્કી જેવી જ છે. જોકે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં એકાદ-બે સ્થાન ખાલી છે અને આ માટે યુવા ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા જામશે. ખાસ કરીને ભારતને લેફર્ટ આર્મ ફાસ્ટરની ટીમમાં જરૃર હોવાનું મનાય છે. ભારતે અનુભવી ફાસ્ટર ભુવનેશ્વરને શરૃઆતની બે વન ડેમાં આરામ આપ્યો છે. આ તબક્કે સિધ્ધાર્થ કૌલને તેની પ્રતિભા બતાવવાની તક મળી છે. આ ઉપરાંત ઓલરાઉન્ડર વિજય શંકરે ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટી-૨૦માં બે વિકેટ ઝડપી હતી અને હવે ટીમ ઈન્ડિયા તેને વન ડેમાં પણ તેની પ્રતિભા બતાવવાની તક અપાશે. હાર્દિક પંડયા ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં રમવાનો નથી. જેના સ્થાને ભારતીય પસંદગીકારોએ રવિન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કર્યો છે. જાડેજાએ અગાઉ વર્ષ ૨૦૧૩માં ઈંગ્લેન્ડની ભૂમિ પર રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં નોંધપાત્ર દેખાવ કરીને વર્લ્ડકપ માટે પસંદગીકારોનું ધ્યાન ખેંચી શકે છે.