આવતી કાલથી બે દિવસ, સદીનું સૌથી મોટુ ચંદ્રગ્રહણ

આગામી ૨૭મી જુલાઇ અષાઢ સુદ પૂનમને શુક્રવારે ગુરૃપૂર્ણિમાના દિવસે રાત્રે ચંદ્રગ્રહણ દેખાવાનું હોય ગુરૃપૂર્ણિમાને ગ્રહણ નડશે. ૨૧મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ ૨૭ જુલાઇ થી ૨૮ જુલાઇ સુધી બે દિવસ દેખાશે. ૨૬ જુલાઇ ૧૯૫૩ના વર્ષ પછી પ્રથમવાર ૬૫ વર્ષ બાદ પૂર્ણ ચંદ્રગ્રહણ થશે અને ચંદ્ર સંપૂર્ણ ઢંકાઇ જશે, તે બ્લડમૂન કહેવાશે. આ વર્ષના ચંદ્રગ્રહણમાં વર્ષો પછી મંગળ, બુધ અને શનિ વક્રી ગતિથી ભ્રમણ કરતા હશે. રાહુ અને કેતુ વચ્ચે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૃ, શુક્ર આવી જતા હોવાથી આંશિક કાલસર્પયોગ થશે. સાથો સાથ મકર રાશિમાં થનારૃ આ ગ્રહણ ચંદ્ર-મંગળનો લક્ષ્મીયોગ સર્જશે. એટલે કે વક્રીભ્રમણ, આંશિક કાલસર્પયોગ અને લક્ષ્મી યોગનો અનોખો સંયોગ સર્જાશે. આ ગ્રહણ ભારતમાં દેખાવવાનું હોવાથી તેને ધાર્મિક રીતે પાળવાનું રહેશે.આ સદીના સૌૈથી લાંબા ચંદ્રગ્રહણ અંગે વધુ માહિતી આપતા જ્યોતિષશાસ્ત્રના અભ્યાસુ અને ભારતીય સ્ટેટ બેન્કના ચીફ મેનેજરે વધુમાં જણાવ્યું છે કે, ગ્રહણ એ ખગોળીય ઘટના છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક લાઇનમાં આવી જાય અને ચંદ્ર પૃથ્વીના પડછાયામાં આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે. આગામી ચંદ્રગ્રહણ અષાઢ સુદ પૂનમને શુક્રવારે રાત્રે ૧૧.૫૪ શરૃ થશે અને ૨૮મી જુલાઇ શનિવારે વહેલી સવારે ૩ કલાક ૫૦ મીનીટે પૂર્ણ થશે. આમ ૪ કલાક સુધી ચાલનારા ગ્રહણમાં શનિવારે રાત્રિના ૧ કલાક પર મિનિટથી ૨ કલાક ૪૩ મિનિટ દરમિયાન ચંદ્ર પૂર્ણ ઢંકાઇ જશે અને રક્તવર્ણનો બની જશે. જેને ખગોળીય ભાષામાં બ્લડમૂન કહે છે. આ વર્ષે ગત ૩૧મી જાન્યુઆરીએ થયેલ ચંદ્રગ્રહણમાં ચંદ્ર લાલ ત્રાંબા વર્ણનો થયો હતો. આ ચંદ્રગ્રહણમાં સૂર્યના કિરણો પૃથ્વી પર પછડાઇને ચંદ્ર પર આવશે જેથી આ ગ્રહણમાં ચંદ્ર લાલ રક્તવર્ણનો કે ત્રાંબા વર્ણીય જોવા મળશે. વાદળા નહિં હોય તો બ્લડમૂન નરી આંખે જોઇ શકાશે.રાશિમાં થનારૃ આ ગ્રહણ ઉતર અષાઢા નક્ષત્રમાં શરૃ થઇને શ્રવણ નક્ષત્રમાં પુરૃ થશે. ગ્રહણનું સુતક લાગશે. હિન્દુ ધર્મના મંદિરો ગ્રહણના સ્પર્શથી ૯ કલાક પહેલા એટલે કે, શુક્રવારે બપોરે ૨.૩૦ કલાકે બંધ થશે જે ગ્રહણ બાદ શનિવારે સવારે ૪ વાગ્યા પછી ખૂલશે. ગ્રહણની માઠી સારી અસરો ગ્રહણકાળના ૧ મહિના સુધી દેખાય છે. ચંદ્ર, જળતત્વનો કારક હોવાથી આગામી દિવસોમાં ભારે વરસાદ, જળબંબાકાર, પૂર, સમુદ્ર તોફાની બને, વાવાઝોડુ, ભૂસ્ખલન, ભૂકંપ, સુનામી, આગ, હવાઇ દુર્ઘટના, રાજકારણમાં ઉથલપાથલ, અર્થતંત્ર ઔદ્યોગિક જગતમાં નવાજુનીના એંધાણ દર્શાવે છે. જે જાતકની કુંડલીમાં ચંદ્ર, વૃષિક રાશિનો ચંદ્ર-રાહુ, ચંદ્ર-શનિ, ચંદ્ર-કેતુનો યોગ હોય તે લોકો માટે આ ગ્રહણ શારિરીક, માનસિક, આર્થિક મુશ્કેલીઓ આપશે. આ ગ્રહણ મિથુન, તુલા, મકર, કુંભ રાશિ માટે ખરાબ ફળ આપશે તો વૃષભ, કર્ક, કન્યા, ધનુ રાશિ માટે મિશ્રફળ આપશે. બાકીની રાશિને યુતિફળ આપશે.ચંદ્ર ગ્રહણ ગુરૃપૂર્ણિમાને દિવસે થવાનું હોવાથી તેની અશુભ અસરો એક સપ્તાહ પહેલા શરૃ થાય છે. ચંદ્ર એ માતાનો, મનનો કારક હોવાથી આ વર્ષે ગુરૃપૂર્ણિમાને દિવસે માનું પૂજન સેવા કરવાથી ગ્રહણના દોષોમાંથી મુક્તિ મળશે. ગ્રહણના દિવસે કુંવારી કન્યાઓનું મોળાકત વ્રતનું જાગરણ હોવાથી તે જાગરણ ૧૨ વાગ્યે સમાપ્ત થયા બાદ પારણા બીજે દિવસે કરે તે જરુરી છે. ગ્રહણ દરમિયાન વાતાવરણ દુષિત થવાથી અન્ન, પાણી લેવા પર નિષેધ મૂકેલ છે. ગ્રહણ સમયે શિવપૂજા, શિવજાપ કરવાથી ગ્રહણના દોષોમાંથી મૂક્તિ મળે છે. ચંદ્ર અને રાહુ શિવભક્ત હોવાથી તેમજ ગ્રહણ પૂર્ણ થયા બાદ ગુજરાત મહારાષ્ટ્ર સિવાય સમગ્ર મધ્ય, ઉત્તર પૂર્વ ભારતમાં શ્રાવણ માસ શરૃ થાય છે. ગ્રહણના અંત બાદ સ્નાન કરવાથી દુષિત વાતાવરણથી શુધ્ધ થવાય છે. ગ્રહણ સમય દરમિયાન જળ, દુધ વગેરેમાં તુલસી, દાભ મુકવાથી તે અશુધ્ધ થતા નથી. આ ગ્રહણને ગામડામાં ગોદડીયા ગ્રહણ પણ કહે છે. આ ગુરૃપૂર્ણિમાએ માનું પૂજન કરવાથી અનેક દોષોમાંથી મૂક્તિ મળશે.