જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અને સેના વચ્ચે આખી રાત ચાલ્યું એન્કાઉન્ટર, બે આતંકીઓ ઠાર કરાયા

ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડાના બાબાગુંડ ગામમાં આખી રાત ચાલેલા એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. મારવામાં આવેલા આતંકીઓના મૃતદેહનો શુક્રવારે સવારે ઘટના સ્થળેથી કબજો લઈ લેવામાં આવ્યો છે. આ પહેલાં ગુરુવારે રાતે સેનાની 22 આરઆર, 92 બટાલિયન સીઆરપીએફ અને એસઓજીની ટૂકડીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સેના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે સેનાએ સર્ચ ઓપરેશન વધાર્યું અને શંકાસ્પદ જગ્યાએ ફાયરિંગ શરૂ કરતાં આતંકીઓએ વળતો જવાબ આપવાની શરૂઆત કરી હતી. રાત્રે અંદાજે એક વાગ્યાથી ફાયરિંગ શરૂ થયું હતું. આ એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. આતંકીઓની ઓળખ હજુ કરવામાં આવી રહી છે.નોંધનીય છે કે, આ પહેલાં 27 ફેબ્રુઆરીએ સેનાએ દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના મામંડરમાં જૈશના બે આતંકીઓને ઠાર કરી દીધા હતા. પુલવામા હુમલા પછીથી ખીણ વિસ્તારમાં સેનાનું આતંકીઓ વિરુદ્ધનું અભિયાન ચાલુ છે.