નવા પાકિસ્તાન’ માટે મતદાન શરૂ

નવા પાકિસ્તાન માટે જનતા આજે નવી સરકારની પસંદગી કરશે. વડાપ્રધાન પદના ત્રણ દાવેદાર છે. તેમાં સૌથી મજબૂત દાવેદારી ઈમરાન ખાનની છે જે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પ્રમુખ છે. તેઓ અત્યાર સુધીમાં સૌથી વધારે સીટો જીતવાની આશા રાખી રહ્યા છે. બીજા દાવેદાર છે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ પીએમએલ-એનના અધ્યક્ષ શહબાજ શરીફ છે. નવાઝ શરીફ અને તેમની દીકરી મરિયમ ચૂંટણી રેસમાંથી હટ્યા પછી તેઓ પાર્ટીનો મુખ્ય ચહેરો છે. ત્રીજા દાવેદાર છે પાકિસ્તાની પીપુલ્સ પાર્ટીના બિલાવલ ભુટ્ટો. બિલાવલ પૂર્વ વડાપ્રધાન બેનજીર ભુટ્ટો અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીના દીકરા છે. ત્રણેય ઉમેદવારો એક કરતા વધારે સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. જોકે બિલાવલ પહેલી વાર ચૂંટણી લડી રહ્યા છે.પાકિસ્તાનમાં સંસદ એટલે કે નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય એસેમ્બલીની ચૂંટણી એક સાથે થઈ રહી છે. નેશનલ એસેમ્બલીમાં કુલ 342 સીટ છે. 60 સીટ મહિલાઓ અને 10 અલ્પસંખ્યકો માટે આરક્ષિત કરવામાં આવી છે. બાકીની 272 સીટ પર વોટિંગ શરૂ થઈ ગયું છે. ચાર પ્રાંત- પંજાબ- સિંધ, ખૈબર પખ્તૂનખા અને બલૂચિસ્તાનમાં નવી સરકાર પસંદ કરવામાં આવશે. વોટિંગ આજે સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ ગયું છે. સાંજે 6 વાગે મતદાન પુરૂ થતાં જ મતગણતરી શરૂ કરી દેવામાં આવશે. 26 જુલાઈ બપોરે બે વાગ્યા સુધી પરિણામ જાહેર કરી દેવામાં આવશે. અત્યાર સુધીના સર્વે પ્રમાણે ઈમરાન ખાન સરકાર બનાવે તેની શક્યતા છે. જોકે નવાઝ શરીફનું જેલ જવું ઈમોશનલ કાર્ડ તરીકે તેમની પાર્ટી પીએમએલ-એનને ફાયદો પહોંચાડી શકે છે.