પાક. જેલમાં મૃત્યુ પામનાર માછીમારને ચાર લાખની સહાય

માંગરોળ બંદર ખાતે ફીશીંગ હાર્બર ફેઝ-૩ના ખાતમુહૂર્ત તેમજ તાલુકાના ૪૫ ગામોને નર્મદાના નીર પહોંચાડવાની જુથ પાણી પુરવઠા યોજનાના લોકાર્પણ પ્રસંગે અત્રે આવી પહોંચેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે મારૂ પહેલુ ઘર ઉત્તરપ્રદેશ અને બીજુ ઘર ગુજરાત છે.ગુજરાતમાં જે પ્રેમ,આત્મીયતા મળ્યા છે, તે અન્ય કોઈ રાજ્યમાં મળ્યા નથી. આ તકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાક.ની જેલમાં કેદ કોઈપણ માછીમાર મૃત્યુ પામશે તો સરકાર દ્વારા તેના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી ઉપરાંત ગુજરાતના ગવર્નર ઓ.પી.કોહલી, જળસિંચાઈ મંત્રી જશાભાઈ બારડ, સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, જૂનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા.