પાટણ : કારની ટક્કરે સ્કૂલ રિક્ષા,ત્રણ વિદ્યાર્થીઓ અને ચાલકને ઇજા

પાટણ  ચાણસ્મા હાઇવે પર રાજપુર ગામ નજીક સ્કૂલ રિક્ષાને કારે ટક્કર મારતા રિક્ષામાં બેઠેલા 3 છાત્રો સહિત રિક્ષાના ચાલકને ઇજાઓ થવાં પામી હતી. ત્યારે છાત્રોને ઘેટાં બકરાંની જેમ ભરીને સ્કૂલ વાહનો દોડતાં હોવાથી બાળકોની સુરક્ષાને લઇ વાલીઓમાં ચિંતાનો માહોલ ખડો થયો છે.શહેરની પ્રાઇવેટ ચિલ્ડ્રન પાર્ક સ્કુલમાં અભ્યાસ કરતા ગદોસણ, મેમદપુર અને ખીમીયાણા ગામના 15 જેટલા બાળકોને બેસાડી સ્કૂલ રિક્ષા બપોરના સમયે પરત ઘરે મૂકવા માટે જઇ રહી હતી. તે વખતે રાજપુર ગામથી એકાદ કિલોમીટર દુર કોઇ કાર ચાલકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં બેઠેલા મેમદપુર અને ખીમીયાણાના 3 વિદ્યાર્થીઓ જેમાં મેમદપુરના કર્તવ્ય ગીરીશભાઇ રાઠોડ, ખીમીયાણાના પ્રિન્સ એન.પટેલ અને નમ્ર પટેલ તેમજ રિક્ષાના ચાલક ખીમીયાણાના વિક્રમભાઇ પ્રીતમાલાલ પુરોહિતને ઇજાઓ થવાં પામી હતી.