રાંધણ ગેસના ભાવમાં વધારો, સરકારે સબસિડી સમાપ્ત કરવા કર્યો વધારો

ઓક્ટોબરના પહેલા જ દિવસથી એટીએફ અને એલપીજી રાંધણ ગેસના ભાવમાં વધારો કરવામા આવ્યો છે. જેટ ફ્યૂઅલ એટલે કે એવિએશન ટર્બાઈન ફ્યૂઅલના ભાવમાં 6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ઓગસ્ટ મહિનાથી લઈને અત્યાર સુધીની કિંમતમાં સતત ત્રીજી વખત વધારો થયો છે. આ ભાવ વધારા સાથે દિલ્હીમાં એટીએફનો ભાવ53,045 થયો છે, જે પહેલા 50,020 હતો.એટીએફની સાથે સાથે રાંધણ ગેસના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાંધણ ગેસમાં 1.50 એટલે કે દોઢ રૂપિયાનો વધારો થયો છે.  સરકારે એલપીજી સબસિડી સમાપ્ત કરવા માટે દર મહિને રાંધણ ગેસના ભાવમાં વધારો કરવાનો નક્કી કર્યું છે.આઈઓસીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં હવે 14.2 કિગ્રાનો LPG સિલિન્ડરનો ભાવ 488.68 રૂપિયા થયો છે, જે પહેલા 487.18 રૂપિયા હતો. તેની પહેલા 1 સપ્ટેમ્બરે પણ રાંધણગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર 7 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, ’31 જુલાઈએ લોકસભામાં જાહેર કરવામાં આવ્યું હતું કે, સરકારે જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓને સબસિડીના એલપીજી સિલિન્ડરના ભાવમાં દર મહિને 4 રૂપિયાનો વધારો કરવાનું કહ્યું છે, જેથી આવતા વર્ષના માર્ચ મહિના સુધી સબસિડી સમાપ્ત થઈ જાય.’