વિંગ કમાન્ડર અભિનંદન આજે વાઘા-અટારી બોર્ડરથી ભારત આવશે પરત

આજે સમગ્ર દેશની નજર વાઘા બોર્ડર પર છે. ભારતના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદનને આજે પાકિસ્તાનથી ભારત પરત આવશે. ભારતના કડક વલણ સામે પાકિસ્તાને અંતે ઝૂકવું જ પડ્યું અને પાકિસ્તાનના વડપ્રધાન ઈમરાન ખાને જ અભિનંદનને કોઈ પણ શરત વગર છોડવાની જાહેરાત કરવી પડી હતી. ઈસ્લામાબાદના ભારતીય ગ્રૂપ કેપ્ટન જેડી કુરિયન અભિનંદનને લઈને વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશ કરશે. પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ સહિત વાયુસેનાના સીનિયર અધિકારીઓ અને મોદી સરકારના ઘણાં મંત્રીઓ વાઘા બોર્ડર પર અભિનંદનનું સ્વાગત કરશે. આ પહેલાં અમરિંદર સિંહે ટ્વિટ કરીને લખ્યું હતું કે, હું પંજાબમાં સીમાવર્તી વિસ્તારોની મુલાકાત કરી રહ્યો છું અને હાલ અમૃતસરમાં છું. ખબર પડી કે પાકિસ્તાન સરકારે વાઘાથી અભિનંદનને મોકલવાનો નિર્ણય કર્યો છે. આ મારા માટે સન્માનની વાત છે કે હું એનું સ્વાગત કરું અને રિસીવ કરવા જઉં. કારણકે તે અને તેમના પિતા એનડીએના પૂર્વ વિદ્યાર્થીઓ છે.