“આમ આદમી પાર્ટી ગુજરાત સંગઠન દ્વારા હોબાળો”

આમ આદમી પાર્ટી ગુજરાત સંગઠન દ્વારા મુખ્યમંત્રી વિજય રુપાણીને મળવા માટે સમય ન ફાળવતા હોબાળો મચ્યો હતો. ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પહોંચેલા આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂત સંગઠનના પ્રમુખ સહિતના કાર્યકરોને મુખ્યમંત્રી સાથે મળવા ન દેતા રાજકીય કિન્નાખોરીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી ગુજરાત ખેડૂત સંગઠનના પ્રમુખ સહિતના અગ્રણીઓ મુખ્યમંત્રી વિજય રુપાણીને મળવા માટે સ્વર્ણિમ સંકુલ સ્થિત મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓના જણાવવ્યા અનુસાર તેમને મુખ્યમંત્રી કાર્યાલય ખાતેથી જણાવવામાં આવ્યું હતું કે તેમણે અગાઉથી સમય ન લીધો હોવાથી મુખ્યમંત્રી મળી શકે તેમ નથી. આખરે કલાકો સુધી રાહ જોઇને મુખ્યમંત્રી કાર્યાલયની બહાર નીકળેલા આમ આદમી પાર્ટીના આ નેતાઓ અને કાર્યકરોએ જાહેરાત કરી હતી કે જ્યાં સુધી તેઓ મુખ્યમંત્રીને નહીં મળે ત્યાં સુધી ગાંધીનગરથી જશે નહીં.ગુજરાતના ખેડૂતોની અનેકવિધ સમસ્યાઓનું  નિવારણ લાવવા માટે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી વિજય રુપાણીને મળવા ગાંધીનગર આવ્યું હતું.