અમદાવાદ: યોગગુરૂ બાબા રામદેવ અમદાવાદ પહોંચ્યા…

અમદાવાદમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી થવાની છે જેની તૈયારીના ભાગરૂપે યોગગુરૂ બાબા રામદેવ અમદાવાદ પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરતાં બાબા રામદેવે કહ્યું હતું કે, આજથી 25 વર્ષ પહેલાં સુરતમાંથી યોગનું આંદોલન શરૂ થયું હતું અને દેશની સૂરત બદલાઈ હતી. ગુજરાત મારી યોગની કર્મભૂમી છે. ત્યારે અહીં જ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવાની છે  જેમાં પાંચ લાખ લોકો ભાગ લેશે અને વિશ્વ વિક્રમ સ્થપાશે. લોકો પૂછે છે કે અચ્છે દિન ક્યારે આવશે? હું કહું છુ કે યોગ અને ઉદ્યોગથી એટલે કે આધ્યાત્મ અને આર્થિક પ્રગતિ એક સાથે થશે ત્યારે દેશ જ નહીં દુનિયાની પ્રગતિ થશે. એરપોર્ટથી બાબા રામદેવ સીએમ વિજય રૂપાણી સાથે મુલાકાત માટે ગાંધીનગર પહોંચ્યા છે. વિજય રૂપાણીને મળવા પહોંચેલા બાબા રામદેવને જોતાં જ સીએમએ નમીને તેમને પ્રમાણ કર્યા હતા.