BCCIનું ‘અભિનંદન’: વિંગ કમાન્ડરના નામની જર્સી જારી કરી

ગઈ કાલે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનથી હેમખેમ પાછો ફર્યા. વાઘા બોર્ડરે હજારો લોકોએ તેમનું સ્વાગત કર્યું. જે લોકો તેમના સ્વાગત માટે નહોતા પહોંચી શક્યા તેમણે પોતપોતાની રીતે આ જાંબાજ જવાનનું અભિવાદન કર્યું.આ સ્થિતિમાં ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) શા માટે પાછળ રહે? BCCIએ પણ ગઈ કાલે ટીમ ઇન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી, જેમાં વિંગ કમાન્ડર અભિનંદનના નામની એક સ્પશિયલ જર્સી પણ સામેલ છે. જર્સીની પાછળ ‘નંબર-૧’ અને ‘વિંગ કમાન્ડર અભિનંદન’ લખેલું છે.BCCIએ ભારતીય જાંબાજને સન્માન આપતી જર્સી લગભગ એ જ સમયે લોન્ચ કરી હતી, જ્યારે અભિનંદને પાકિસ્તાનથી ભારતીય ધરતી પર ડગ માંડ્યા. BCCIએ ટ્વિટ કર્યું, “તમારું સ્વાગત છે અભિનંદન. દિલથી લઈને આસમાન સુધી તમારું રાજ છે. તમારું સાહસ અને ગરિમા આવનારી પેઢીઓને પ્રેરણા આપશે.” અભિનંદનને સન્માન આપવાની આ રીત માટે BCCIની સોશિયલ મીડિયા પર જોરદાર પ્રશંસા થઈ રહી છે.ભારતીય ટીમની સૌથી મોટી પરીક્ષાનું કાઉન્ટ ડાઉન આજથી શરૂ થઈ રહ્યું છે. આજે જ્યારે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે અહીં રમાનાર પ્રથમ વન ડે માટે મેદાનમાં ઊતરશે ત્યારે તે નવા લુકમાં જોવા મળશે. ટીમ ઇન્ડિયાના નવા સત્ર માટે નાઇકીએ તેની નવી જર્સી લોન્ચ કરી.આ લોન્ચિંગમાં અજિંક્ય રહાણે, યુવા બેટ્સમેન પૃથ્વી શો, ભારતીય મહિલા ટી-૨૦ ટીમની કેપ્ટન હરમનપ્રીત અને જેમિમા રોડ્રિગ્ઝની પણ હાજરી હતી. આ પ્રસંગે મહેન્દ્રસિંહ ધોનીએ જણાવ્યું, “ટીમ ઇન્ડિયા દુનિયાની સૌથી ફિટ ટીમ છે. ભારતની જર્સી પહેરવી એક શાનદાર અનુભવ હોય છે.”જર્સી લોન્ચિંગમાં હાજર ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ટીમના સૌથી અનુભવી ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીએ વધુમાં જણાવ્યું, “અમે વિશ્વકપ માટે તૈયાર છીએ. આ જર્સીનો ટીમના આત્મવિશ્વાસમાં મહત્ત્વપૂર્ણ રોલ હોય છે. ૧૯૮૩ના વિશ્વકપની જર્સી મેં જોઈ છે, પરંતુ પહેરી નથી. ત્યારે હું બહુ નાનો હતો, પરંતુ ૨૦૦૭, ૨૦૧૧ અને ૨૦૧૫ના વિશ્વકપમાં હું ટીમ ઇન્ડિયાની જર્સી પહેરીને રમ્યો છું. સાચે જ આ શાનદાર અનુભવ હોય છે.”આ પ્રસંગે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, “છેલ્લાં થોડાં વર્ષોથી ક્રિકેટની રમત ઘણી બદલાઈ ગઈ છે. તમે જોઈ શકશો કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં અમારી એક યુવા ટીમ હતી. એ ટીમને વિશ્વકપ માટે તૈયાર કરવાની હતી. અમે એમાં ઘણા સફળ પણ થયા છીએ. હા, અમારી ટીમ સૌથી ફિટ ટીમ છે. ધોની અઆ વાતને સૌથી વધુ અનુભવી શકે છે, કારણ કે તે ૨૦૦૫થી ટીમની સાથે છે. મેં ૧૦ વર્ષમાં પહેલી વાર નાઇકીની સૌથી સારી જર્સી પહેરી છે. જર્સીનો ખેલાડીના જીવનમાં બહુ મોટો રોલ હોય છે.