મોરબીઃ રોડના પ્રશ્ને કંટાળી ગયેલી મહિલાઓએ પાલિકા કચેરીએ હંગામો કર્યો…

મોરબીના નવલખી રોડ પરના કુબેરનગર વિસ્તારમાં તૂટેલા રોડ રસ્તાથી સૌ કોઈ પરેશાન હોય જે મામલે અગાઉ પણ અનેક રજુઆતો કરી હોવા છતાં તંત્રના બહેરા કાને પ્રજાનો અવાજ સંભળાતો નથી જેથી રોષે ભરાયેલું મહિલાઓનું ટોળું આજે કચેરીએ પહોંચી ગયું હતું અને હંગામો કર્યો હતો જોકે પાલિકા કચેરીએ પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ના હોવાથી મહિલાઓનું ટોળું કચેરીમાં જ બેસી ગયું હતું તેમજ કેટલીક ગુસ્સે ભરાયેલી મહિલાઓએ કચેરીના કાચોમા ચપ્પલ મારીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓનો રોષ પારખી જતા તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી એ ડીવીઝનનો સ્ટાફ પહોંચી ગયો હતો અને મહિલાઓને સમજાવી શાંત પાડી હતી તેમજ ટોળાને પરત મોકલવામાં આવ્યું હતું. અવારનવાર પાલિકા કચેરીને ઘેરાવ કરવાના દ્રશ્યો જોવા મળતા હોય છે તેમજ રજૂઆત કરવા આવતા ટોળાના પ્રશ્ન સાંભળવા માટે જવાબદાર અધિકારી પણ હાજર રહેતા ના હોવાથી લોકોનો રોષ વધુ ભભૂકી ઉઠતો હોય છે તેવું આજે પણ જોવા મળ્યું હતું.