“નોટબંધીનો નિર્ણય એ ગરીબો માટેનો નિર્ણય હતો”

વડાપ્રધાન દ્વારા લેવામાં આવેલો નોટબંધીનો નિર્ણય એ ગરીબો માટેનો નિર્ણય હતો તેને કારણે ગરીબોના જીવનસ્તરમાં સુધારો થયો છે તેમ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું હતું….ગુજરાતની વિચરતી અને વિમુકત જાતિના લાભાર્થીઓ માટે યોજાયેલા ચેક વિતરણ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં ગુજરાતમાં અન્નપૂર્ણા યોજના લાગૂ કરશે, આ યોજનામાં લાભાર્થીઓ અને ખાસ કરીને મજૂરવર્ગને ફક્ત દસ રૂપિયામાં ભરપેટ ભોજન પૂરું પાડવામાં આવશે. રાજય સરકારના સામાજિક ન્યાય અધિકારી વિભાગ હસ્તકના ગુજરાત વિચરતી અને વિમુકત જાતી વિકાસ નિગમ દ્વારા આ સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીના હસ્તે 800 લાભાર્થીઓને સ્વરોજગારીના 2.28 કરોડના સહાય ચેકનું વિતરણ કર્યુ હતું. સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી આત્મારામભાઇ પરમારે વંચિતો-વિચરતી વિમૂકત જાતિના પરિવારોને પણ વિકાસના ફાળો પહોચે અને તેઓમાં આત્મસન્માનની ભાવના જાગૃત થાય તે માટે કેન્દ્ર-રાજય સરકાર વંચિત કલ્યાણ યોજનાઓથી તેમની પડખે ઊભા રહેવાની છે તેવી કટિબદ્ધતા વ્યકત કરી હતી.નિગમના અધ્યક્ષે નિગમની યોજનાકીય વિગતો આપી હતી.