પાલનપુર : 100 ગામોમાં પાણીની અછત સર્જાઈ…

પાલનપુરના 100 ગામોમાં પાણીની અછત સર્જાઈ છે ‘પાણી નહીં તો વોટ નહી’ ની ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી છે. છેલ્લા 15 વર્ષથી મલાણા સાઇટના 100 ગામોમાં પાણીની અછત છે. પિયતના અભાવે ખેડૂતોની જમીનો પણ બંજર પડી છે. આ અંગે ખેડૂતોએ વારંવાર કલેકટર અને મુખ્યમંત્રીને રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી કોઇ પરિણામ આવ્યું નથી. જેથી ખેડૂતો લાલઘૂમ થયા છે અને પારપડાના રામદેવ પીરના મંદિરે એકઠા થયા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે ‘પાણી નહીં તો વોટ નહી’ જો ખેડૂતોની માંગ નહી સંતોષાયતો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ ઉપરાંત પાંથાવાડા વિસ્તારમાં પણ પાણીની વિકટ સમસ્યા હોવાથી આ બધા ખેડૂતોએ એકઠા થઇ ટૂંક સમયમાં જ હજારોની સંખ્યામાં વિશાળ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપવાની પણ ચર્ચા કરી હતી.