મોડાસા શહેરના પેથોલોજીસ્ટની બેદરકારીથી પરિણીતાનું દામ્પત્ય જીવન દાવ પર…

અરવલ્લી જિલ્લાનું મોડાસા શહેર આરોગ્યનગરી તરીકે પ્રખ્યાત છે ત્યારે આ શહેરમાં ચાલતી સત્યમ પેથોલોજી લેબોરેટરીના પેથોલોજીસ્ટ ડો.કલ્પેશ શાહે વર્ષ ૨૦૧૦માં જન્મેલા નવજાત બાળકના લોહીનું ગ્રુપ તપાસી “ઓ” પોઝિટિવ રિપોર્ટ આપ્યો હતો. આ લોહીના રિપોર્ટે પતિ-પત્નીના જીવનમાં ઝેર પાથરવાનું કામ કર્યું હતું. પતિ અથવા પત્નીના ગ્રૂપમાં કોઈના ગ્રૂપને મેચ ન થતા બાળકના લોહીના ગ્રૂપના કારણે પતિએ પત્ની પર શંકા રાખી છૂટાછેડા માટે કોર્ટમાં અરજી દાખલ કરી દેતા પતિ-પત્નીનું દામ્પત્યજીવન હોડમાં મુકાઈ ગયું હતું.
આ ઘટનાને ૬ વર્ષ ઉપરાંતનો સમયગાળો વીત્યા બાદ એકના એક પુત્રની માતાએ પોતાના પુત્રની ફરીથી મોડાસાની સત્યમ લેબોરેટરીમાં જ લોહીના ગ્રુપની ચકાસણી ગત માર્ચ માસમાં કરાવી હતી જેમાં આ લેબોરેટરીના ડૉક્ટર કલ્પેશ શાહે પુત્રનું બ્લડ ગ્રુપ “એ” પોઝિટિવ હોવાનો રિપોર્ટ આપ્યો હતો આ રિપોર્ટ જોઈ માતા સ્તબ્ધ બની ગઈ હતી અગાઉ જે પુત્ર નો રિપોર્ટ અને હાલમાં આપેલ રિપોર્ટ ડૉક્ટરની બેદરકારી દર્શાવે છે ત્યારે પેથોલિસ્ટ ની બેદરકારીથી એક હસતા ખેલતા દામ્પત્યજીવનમાં પ્રશ્નો ઉભા કરી દીધા છે ત્યારે આ મહિલાએ પેથોલોજીસ્ટ સામે પગલાં ભરવા અરવલ્લી આરોગ્ય અધિકારી સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી હતી.